મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2011

કર્મોની કરામત


અસાર સંસારનો એક જ સાર છે અને તે છે 'કર્મ'. પૃથ્વી પર અવતરેલ પ્રત્યેક જીવ કર્મના બંધનમાં બંધાયેલ છે.કર્મની કરામત પણ અજીબ છે.ઈશ્વરે સૃષ્ટિની રચના કરી અને દરેક મનુષ્યને પોતાની ઈચ્છા મુજબ કર્મ કરવાની સ્વતંત્રતા આપી.પ્રભુએ પોતાનું કામ સરળ બનાવી દીધું.

રંક કે રાય બધા કર્મના બંધને બંધાયેલ છે.સારા કે નરસા કરેલા કર્મના ફ્ળથી કોઈ બચી શકતું નથી.જગતના નાથે રચેલી આ કરામત બહુ સમજવા જેવી વાત છે. સૌ પ્રથમ તો આપણને કેટલી મૂલ્યવાન સ્વતંત્રતા ઈશ્વરે આપી છે તે આપણે ભૂલી ગયા છીએ.તમને એવું યાદ છે કે ભગવાને આવીને તમને ક્યારેય કીધું હોય ,"દોસ્ત હું કહું છું તે જ સત્ય છે માટે તું મારું કીધેલ જ કર. હું કહું તેજ તારો નિર્ણય હોવો જોઈએ". મારી સાથે તો આવી ઘટના ક્યારેય બની નથી. તમારી સાથે બની હોય તો તમારા અહોભાગ્ય. શાંત ચિત્તે વિચારતા સમજાય કે આપણે જે પરિસ્થિતિમાં છીએ તેનું કારણ આપણે જ છીએ નહી કે ભગવાન. તો પછી આપણે દરેક વખતે પ્રભુને યાદ કરીને શા માટે કહીએ છીએ , 'મારા નસીબમાં જ નથી, ઉપરવાળાને હું જ મળું છું બધી મુશ્કેલીઓ માટે...વગેરે વગેરે".

ભગવદગીતામાં શ્રી કૃષ્ણએ બહુ સુંદર વાત કહી છે ,
"તું કર્મ કર ફ્ળની આશા ન રાખ".

માનવજીવનનો સાર છે આ વાક્યમાં. ક્યા કર્મ કરવા તે આપણૉ નિર્ણય છે પરંતુ તે કર્મનું ફ્ળ ક્યારે અને કેટલું આપવું તે ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે.આપણા શાસ્ત્રો કહે છે ,
'સારા કર્મોનું ફળ હંમેશા સારું જ મળશે અને કુકર્મોનું ફ્ળ હંમેશા ખરાબ જ મળશે.'
ફળની ચિંતા છોડી દઈએ તો કામ પર વધુ ધ્યાન આપી શકાય તે સરળ વાત છે.


સંસારમા રહીએ એટલી એમ થાય કે સારા કર્મો કરનારને ભાગે જ કેમ દુઃખ આવે છે અને કુકર્મીઓ આ દુનિયામાં જલસા કરે છે ?? જલસા કરનાર તેના કોઈ પૂર્વ સારા કામોનું ફળ હમણાં ભોગવે છે જ્યારે અત્યારે સારા કર્મો કરનાર તેના કોઈ પૂર્વ જ્ન્મના કર્મોનું ફળ અત્યારે ભોગવે છે.આપણને ઘણાને એવી ગેરસમજ હોએ કે સારા કર્મો એટલે દાનધર્મ અને કોઈની મદદ વગરે પરંતુ રોજબરોજની જીંદગીમાં નિંદા, કુથલી ,વેરભાવ,ઈર્ષ્યા જેવી અનેક વાતોથી કર્મના પોટલા બાંધીએ છીએ.પછી રડીએ કે મારે ભાગે તો બસ દુઃખ લખ્યા છે!!


કેવી વાસ્તવિકતા છે !! કેવા કર્મો કરવા તે આપણા હાથમાં જ છે તો પછી બાવળ વાવીને આંબાની આશા રખાય ?? જાગ્યા ત્યાંથી સવાર ગણીને કર્મના આ નિયમને સમજીએ અને તેને અનુરુપ બનીને જીવન જીવીએ.

" કર્મ કેરા ફળથી દેવ પણ ભાગી ના શકયા,
તો તમે માનવ થઈને ક્યાં ભાગીને જવાના ?? "

1 ટિપ્પણી(ઓ):

Shyambhai કહ્યું...

કર્મ કેરા ફળથી દેવ પણ ભાગી ના શકયા,
તો તમે માનવ થઈને ક્યાં ભાગીને જવાના ?? "

very true! best!

ટિપ્પણી પોસ્ટ કરો