શનિવાર, 5 સપ્ટેમ્બર, 2009

કુટુંબ........... તૂટી રહેલી સમાજસંસ્થા



કુટુંબ.. ત્રણ અક્ષરનો શબ્દ ઘરના ત્રીસ સભ્યોને પણ સાથે જોડી શકે છે. કટુંબએ પ્રેમ, સંસ્કાર અને લાગણીથી બંધાયેલી સમાજની સંસ્થા છે , જે ઉતમ નાગરિકો સર્જવા બનાયેલી છે. કુટુંબ સમાજનું આગવુ અંગ છે , જે સમાજનું સિંચન કરે છે.

કુટુંબએ કળિયુગના માથા ફરેલા માનવના કહેવા મુજબ પતિ , પત્ની અને તેમના બાળકોનું સદન . જેમાં ક્યાંય વડીલોને સ્થાન નથી.સ્વતંત્રતા કરતા સ્વછંદતા વધુ છે.પ્રેમ કરતાં આપલેનો હિસાબ વધુ છે.વર્ષે માતા પિતાને પ્રેમ વ્યકત કરવા Mother's day and father's day ઉજવવા પડે છે.આવું કુટુંબ જેમાં બે ટાણાનું ભોજન પણ ભેગા થતું નથી તે ભારતીય સંસ્કૃતિ માટે અપમાનકારક બની રહ્યું છે. આપણા પૂર્વજોએ બહુ સમજદારીપૂર્વક સમાજની રચના કરી હતી.માણસ માત્રને એકલતા ગમતી નથી.આ જ વિચારે તેમણે કુટુંબને જન્મ આપ્યો હશે.

એવા કેટલાય પરિવારો છે જેમાં કુટુંબ માત્ર કહેવાલાયક શબ્દ છે.આવા પરિવારોમાં લાગણીનો અભાવ વર્તાય છે અને ઉષ્મારહિત સંબંધો ઝેર કરતાયં વધુ કડવા લાગે છે. આવા સંબંધો સમાજને શિક્ષણ આપી સકતા નથી અને બોજો બની જાય છે. કુટુંબરચના કરવાનો મૂળ ઉદેશ સંસ્કારો, રીત-રિવાજોની સરવાણીને એક પેઢીથી બીજી પેઢી સુધી વહેતા રાખવાનો છે.ઘરના સ્નેહભર્યા વાતાવરણમાં બાળક હસતા -રમતા શીખે છે.સંબંધોને બાંધતા અને નિભાવતા શીખે છે.સુમેળભર્યુ , સમજદારીપૂર્ણ વર્તન શીખે છે.પોતની જવાબદારીઓ જાણે છે અને બજાવે છે.આમ કુટુંબ બાળકનો સર્વાંગીણ વિકાસ કરે છે. બીજા અર્થમાં કુટુંબ પરિવારના સભ્યોને સાચો પથ બતાવવાનું કામ કરે છે.

વડીલોની છત્રછાયા હેઠળ નાના રોપ મોટા વૃક્ષ બનીને ફૂલે ફાલે છે. વિશાળ સંબંધના તાંતણે બંધાયેલ કુટુંબમાં આવેલી મુશ્કેલીઓ સભ્યોને વધુ સ્નેહમય બનાવે છે.કામનો બોજો વહેંચાય છે અને ઝડપી કામ બધાને વ્હાલા લાગે છે. કારણ કે ,

" ઝાઝા હાથ રળિયામણાં "

આ વાતો આજે જૂનવાણી લાગે છે , તેમાં નવી પેઢીને રસ નથી.પરતું તેઓ ભૂલે છે કે યુવાનીનો રંગ તો થોડા દિવસનો છે, અને તે તો પલકારામાં વીતે જશે.તેમજ રંગ ફિકકો પણ પડી જશે. ખરી હૂંફ અને લાગણીની જરુર તો બુઢાપામાં લાગે છે.કારણ કે લાગણી વગરનું પળપળનું જીવન એક એક યુગ જેવું લાગે છે.

તો તમારો બુઢાપો સુધારવા અને વૃધ્ધાવસ્થાને વસંતઋતુ બનાવવા કુટુંબને સમર્થન આપો.સંબંધોના સ્નેહથી તમારા કુટુંબમાં પ્રસન્તાના પુષ્પો આવવા ધ્યો.આ સમાજ સંસ્થા આદર્શ જ છે કારણ કે , પંખીનો વિખરાયેલો માળો જોઇને આપણે દુ:ખી થઇએ છીએ તો શું તમારો વિખરાયેલો માળો તમારા મનને થંડક આપશે ?? કદાપિ નહિ. તો આવી મૂલ્યવાન સમાજસંસ્થાને બચાવો અને સાબિત કરો કે ,

"એક ઘરમા સાથે રહેવુંએ,કુટુંબ નથી , પરંતુ એકબીજાના સુખ-દુ:ખને સમજીને,
એક્બીજાનો સહારો બની ત્યાગ અને પ્રેમના પુષ્પ , જો સંબંધોમાં પાંગરે તો ઘર કુટુંબ બની શકે."