મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2011

કર્મોની કરામત


અસાર સંસારનો એક જ સાર છે અને તે છે 'કર્મ'. પૃથ્વી પર અવતરેલ પ્રત્યેક જીવ કર્મના બંધનમાં બંધાયેલ છે.કર્મની કરામત પણ અજીબ છે.ઈશ્વરે સૃષ્ટિની રચના કરી અને દરેક મનુષ્યને પોતાની ઈચ્છા મુજબ કર્મ કરવાની સ્વતંત્રતા આપી.પ્રભુએ પોતાનું કામ સરળ બનાવી દીધું.

રંક કે રાય બધા કર્મના બંધને બંધાયેલ છે.સારા કે નરસા કરેલા કર્મના ફ્ળથી કોઈ બચી શકતું નથી.જગતના નાથે રચેલી આ કરામત બહુ સમજવા જેવી વાત છે. સૌ પ્રથમ તો આપણને કેટલી મૂલ્યવાન સ્વતંત્રતા ઈશ્વરે આપી છે તે આપણે ભૂલી ગયા છીએ.તમને એવું યાદ છે કે ભગવાને આવીને તમને ક્યારેય કીધું હોય ,"દોસ્ત હું કહું છું તે જ સત્ય છે માટે તું મારું કીધેલ જ કર. હું કહું તેજ તારો નિર્ણય હોવો જોઈએ". મારી સાથે તો આવી ઘટના ક્યારેય બની નથી. તમારી સાથે બની હોય તો તમારા અહોભાગ્ય. શાંત ચિત્તે વિચારતા સમજાય કે આપણે જે પરિસ્થિતિમાં છીએ તેનું કારણ આપણે જ છીએ નહી કે ભગવાન. તો પછી આપણે દરેક વખતે પ્રભુને યાદ કરીને શા માટે કહીએ છીએ , 'મારા નસીબમાં જ નથી, ઉપરવાળાને હું જ મળું છું બધી મુશ્કેલીઓ માટે...વગેરે વગેરે".

ભગવદગીતામાં શ્રી કૃષ્ણએ બહુ સુંદર વાત કહી છે ,
"તું કર્મ કર ફ્ળની આશા ન રાખ".

માનવજીવનનો સાર છે આ વાક્યમાં. ક્યા કર્મ કરવા તે આપણૉ નિર્ણય છે પરંતુ તે કર્મનું ફ્ળ ક્યારે અને કેટલું આપવું તે ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે.આપણા શાસ્ત્રો કહે છે ,
'સારા કર્મોનું ફળ હંમેશા સારું જ મળશે અને કુકર્મોનું ફ્ળ હંમેશા ખરાબ જ મળશે.'
ફળની ચિંતા છોડી દઈએ તો કામ પર વધુ ધ્યાન આપી શકાય તે સરળ વાત છે.


સંસારમા રહીએ એટલી એમ થાય કે સારા કર્મો કરનારને ભાગે જ કેમ દુઃખ આવે છે અને કુકર્મીઓ આ દુનિયામાં જલસા કરે છે ?? જલસા કરનાર તેના કોઈ પૂર્વ સારા કામોનું ફળ હમણાં ભોગવે છે જ્યારે અત્યારે સારા કર્મો કરનાર તેના કોઈ પૂર્વ જ્ન્મના કર્મોનું ફળ અત્યારે ભોગવે છે.આપણને ઘણાને એવી ગેરસમજ હોએ કે સારા કર્મો એટલે દાનધર્મ અને કોઈની મદદ વગરે પરંતુ રોજબરોજની જીંદગીમાં નિંદા, કુથલી ,વેરભાવ,ઈર્ષ્યા જેવી અનેક વાતોથી કર્મના પોટલા બાંધીએ છીએ.પછી રડીએ કે મારે ભાગે તો બસ દુઃખ લખ્યા છે!!


કેવી વાસ્તવિકતા છે !! કેવા કર્મો કરવા તે આપણા હાથમાં જ છે તો પછી બાવળ વાવીને આંબાની આશા રખાય ?? જાગ્યા ત્યાંથી સવાર ગણીને કર્મના આ નિયમને સમજીએ અને તેને અનુરુપ બનીને જીવન જીવીએ.

" કર્મ કેરા ફળથી દેવ પણ ભાગી ના શકયા,
તો તમે માનવ થઈને ક્યાં ભાગીને જવાના ?? "

રવિવાર, 20 ફેબ્રુઆરી, 2011

શું આપણે ખરેખર સુખી છીએ?



ક્ષણ , દિવસ,મહિના,વર્ષો અને સદીઓ વીતતી જાય છે.પથ્થરયુગ , લોહયુગ , તાંબ્રયુગ અને ઇન્ફોમેશનયુગના કિનારે ઉભેલો માનવી શું સુખી છે ??

સુખની વ્યાખયા જાણે બદલાતી જાય છે.ભૂખ્યાને મન ભોજનએ સુખ છે,મધ્યમ વર્ગના માનવીને મન સામાજીક સંબંધો અને થોડી ઘણી બચતએ સુખ છે.અમીરોને મન બમણી આવક અને મોભોએ સુખ છે. તો નેતાને મન ગામેગામ ભૂખ્યા માણસોને મોબાઇલ પહોંચાડવા તે સુખ છે!!

ખરેખર આ 'સુખ' શું છે ? ચાલો 'સુખને' સામાજીક અને માનવીય રીતે મુલવીએ. વિચારો કે જંગલમા વસતો ,ફળફળદિ ખાનારો આદિવાસી માનવ વધુ સુખી હતો કે નહિ? જવાબ છે હા , કારણ કે તે માનવને મન શાંતિ એ જ સુખ હતું. જ્યારે આજે સુખ એટલે સાધનસંપતિ અને સુખસગવડ. આજે સમાજના એકેય વર્ગનો માણસ સુખી નથી. જેની પાસે ધન નથી તેને ધન મેળવવાના સપનાઓ આવે છે ,તો ધનવીરોને આ ધનની સાચવણી માટે નિંદ્રાદેવી સાથે અબોલા લેવા પડે છે.આ પૈસો તો માણસની ઊંઘ હરામ કરી રહ્યો છે.જરાક વિચારો જે પૈસો આપણને રાતના સુખેથી ઊંઘવા દેતો નથી, તેને માટે આપણે આકાશ પાતાળ એક કરી રહ્યા છીએ!!

પૈસા વગરનો માનવી પણ લાચાર છે. ઉત્તરપ્રદેશની કડકડતી થંડીમાં પોલિસોએ અનેકના ઝૂંપડા તોડયા છે.ત્યારે લાચાર બાળકીના આંસુ કહી રહ્યા હશે , 'જમીનનો ટૂકડો હતો તે પોલિસે છીનવી લીધો છે અને શાંતિની નિંદર હતી તે ભગવાને છીનવી લીધી છે.' બાળકીને ખબર નથી કે ઘર અને ધાબળા વગર રાત ક્યાં
જશે ??, જ્યારે મહેલ જેવા ઘરમાં રહેતા અને મખમલી પથારીમાં પોઢતા અમીરો નિંદર માટે તરસે , આ જગતની વાસ્તવિકતા છે!!

સુખને સામાજીક રીતે વર્ણવીએ તો પૈસાની રખડપાટે આપણા સામાજીક સંબંધો છિન્ન ભિન્ન કરી નાખ્યા છે.શું માતાપિતા પાસે બાળકોને વ્હાલ કરવાનો સમય છે ? શું બાળકને માતાપિતાના સ્નેહમાં ભીંજાવવાની તક મળે છે? શું સંબંધો ઉષ્મારહિત નથી બની રહ્યા?
સંબંધો, પ્રેમભાવ અને 'સ્વ'ની લાગણી 'સ્વાર્થ'ની ખીણમાં ધકેલાઈ રહ્યા છે.આ છે પૈસાની દોડનો પ્રતાપ. આ પૈસાએ માણસના માનવીય ગુણોને જડમૂળમાંથી ઉખાડી દીધા છે .

અકસ્માતના કે આત્મહત્યાના ભોગીને કોઈ ડોકટર સારવાર આપવા તૈયાર નથી કારણ કે આ પોલિસ કેસ છે!! જુઓ તો ખરા માણસને પોલિસનો ડર છે , ભગવાનનો ડર નથી !! વાહ પ્રભુ ખરી છે તારી કરુણતા !! સમાજના માનવ માનવને મદદ કરવાથી મળતું સુખ જગતમા ક્યાંય મળતું નથી. ગરીબના અંતરના આશિષ ખરા સુખની લાગણી કરાવે.

આમ ખોટા સુખની લાલચ શું આપણને પ્રગતિ કરવા દેશે? મોબાઈલ ,મોટર અને લેપટોપ વાપર્યા પછી પણ આપણે સામાજીક દ્રષ્ટિએ પછાત જ રહેશું કારણ કે ત્યારે પૈસો હશે પણ વાપરનારા વ્હાલા સ્વજનો નહિ હોય.
તો આવા ભયંકર યુગમા પગલા માંડતા પહેલા જ સુખની વ્યાખ્યાને બદલીએ.સુખને શાંતિ ગણી, માનવ માનવને મદદરુપ થઈ ,જીવનના નાટકનું ખરું પાત્ર ભજવીએ કારણ કે ,

"હે માનવી માટીમાંથી સર્જાયો છે,
તું માટીમાં ભળી જવાનો છે.
સુખ , દુઃખ તો ક્ષણિક છે,
પૈસો અહી છોડી જવાનો છે.
તારા સદ્કર્મની પોટલી સાથે લઈ જવાનો છે,
સુખ ,શાંતિ તારા અંતરમાં છે,
એને શોધવી એ તારી કસોટી છે,
પાર થયો તો ભવસાગર તરી જવાનો છે,
હે માનવી માટીમાંથી સર્જાયો છે,
તું માટીમાં ભળી જવાનો છે."

રવિવાર, 13 ફેબ્રુઆરી, 2011

વૃધ્ધાવસ્થાની વ્યથા

વૃધ્ધાવસ્થાની વ્યથા..



આપણા ઋષિમુનીઓએ જીવનની ચાર અવસ્થાઓ ગણાવી છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા,ગૃહાવસ્થા અને વૃધ્ધાવસ્થા. જીવનનો અંતિમ કાળ જે આપણને ત્રાસદાયક લાગે છે તે છે વૃધ્ધાવસ્થા. ’વૃધ્ધ થવું કોઇને ગમતું નથી પણ કાળનું ચક્ર દરેક માનવીને વૃધ્ધાવસ્થાના આંગણે લાવીને છોડે છે ,જ્યાં એકલતા ,નફરત અને લાચારી માણસને મારી મૂકે છે. આ એકલતા પણ પોતાના દીકરાઓ પાસેથી જ વળતર રુપે મળે છે.મા-બાપનો ભાર ચાર ચાર દીકરાઓ નિભાવી શકતા નથી અને તેમને વૃધ્ધાવસ્થાના આંગણે નિ:સહાય છોડી આવે છે!!

આમ કરતા દીકરા-વહુઓને વિચાર પણ નહિ આવતો હોય કે તેમણે લોહીપાણીથી આટલો મોટો કર્યો છે !! હું તેમની આંગણી પકડી ચાલતા શીખ્યો છું. તેમણે મને દુનિયા બતવી છે અને હું તેમને વૃધ્ધાશ્રમ બતાવી રહયો છું.

"એક મા બાપ ત્રણ ચાર દીકરાઓને પાળી પોસીને મોટા કરી શકે છે પરંતું ચાર દીકરાઓ આ મા બાપને ન સાચવી શકે ?? વાહ ન્યાય . "

મારી નજરે એવા ઉદાહરણો જોયા છે જ્યાં ચાર દીકરાઓનો ભર્યો ભર્યો પરિવાર હોવા છતાં એકલી માતા રાત્રે બીજાને ઘરે સૂવે છે.ગાંઠિયા મંગાવીને ખાય છે.આવા દીકરાઓ માતાની સંપતિ હડપી લેવા તૈયાર છે . આવા દીકરાઓને દીપડાઓ કેહવા વધુ યોગ્ય છે.

ભારતના ગામડાઓ જે વિદેશીકરણથી દૂર છે ત્યાંપણ મા અને દીકરો-વહુ ખેતરમાં બાજુ બાજુમાં અલગ રહે છે.આવી વૃધ્ધાવસ્થા ખરેખર હિંમતવાનન માણસને મારી મૂકે છે. માટે તો બધા વૃધ્ધાવસ્થાથી ડરે છે ,ફફડે છે. કારણ વહુના કટુવચનો સહેવાતા નથી.વૃધ્ધોની ઉધરસ તેમની નિંદર બગાડે છે.તેઓ ઘરમાં જ્ગ્યા રોકે છે.તેમનો ખર્ચો ભારે પડે છે.પોતાના બાળકો પર હજારો રુપિયા વાપરતા દંપતીઓ પોતાના પાલકને માટે ૧૦૦ રુપિયાના ચશ્મા લેતા પણ ખચકાય છે.

દીકરાઓને યુવાનીના જોરમાં આમ વર્તતા જોઇ માબાપનું મન જરુર કેહતુ હશે ,

"પીપળ પાન ખરંતા ,હસતી કૂંપણિયા,
અમ વીતી તમ વીતશે ,ધીરી બાપુડિયા".

વૃધ્ધાવસ્થા ખરેખર વસમી લાગે છે કારણ કે પ્રેમ , લાગણી વિના સંબંધો ભારરુપ બની જાય છે.વૃધ્ધો વધારાના બની જાય છે.તેમની આંખો આંસુથી અને હદય વેદનાથી ભરાય જાય છે.

"વૃધ્ધાવસ્થા એ તો પાનખર છે, અને ફ્કત થોડા સમય માટે ,
તમારો સંગાથ ,સ્નેહ ઇચ્છે છે ,એને ખર્યા પેહલા જીવનને ,
મ્હાણી લેવું છે , બસ તમારા માટે જ અર્પિત થઇ જવું છે. "

જગતની વાસ્તવિકતાને સમજો તમારું જીવન પણ કાલે વૃધ્ધાવસ્થાની વંડીએ આવી જશે, ત્યારે તમારા આંસુને કોણ રોકશે ?? તમને કોણ આસરો આપશે ??જરા વિચારો તો ખરા કે ઉપરવાળા પાસે બધો હિસાબ છે.એ તમને માફ નહિ કરે, ત્યાં તમારી દાદાગીરી પણ નહિ ચાલશે.

જાગ્યા ત્યાંથી સવાર કરીને વૃધ્ધોની લાકડી બનો.તેમના દુ:ખને સમજો, તેમની લાગણીને સમજો.તેમને ઘરનો બોજ ન સમજતા ઘરની છત્રછાયા સમજો. જો તમે તેમને ઘરનો બોજ સમજશો તો તમે પણ તમારા બાળકો માટે બોજો જ બનશો કારણ કે આ પાઠ તમે જ તેને શીખવાડ્યા છે. તેમના મૃત્યુ પછી તેમનો ફોટો છાપામાં છપાવવાનો કોઇ અર્થ નથી.તેના કરતા સાચા મનથી પ્રેમ , આદર આપો અને જુઓ તેમના મુખ પરની ખુશી તમરા જીવનમા કેટલી ખુશીઓ લઈ આવે છે ??