શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

અજાણ્યુ સ્મિત

આજે લેખને બદલે ટૂંકી વાર્તા રજૂ કરી છે, આશા છે કે તમને ગમશે.






 વરસાદ અને મારા ઘરે આવવાનો સમય જાણે કે અકબીજાને સમજતા પ્રેમી યુગલો છે. વરસી પડે તેવો વરસાદ સાંજ પડે મારી રાહ જોઇને બેસે છે.સાડા ચાર એ મારો ઘરે આવવનો સમય. આ સમયની વરસાદને બરાબર જાણ. હું નીકળવાની તૈયારી કરું અને તે આવવાની.મુંબઈનો વરસાદ મનમોજીલો છે. દિલ ખોલીને તે વરસે. રોજની જેમ હું રિક્ષા લઈ બસટોપ પર જવા નીકળી.અંદાજો તો હતો કે આજે વરસાદ મહેરબાન થવાનો છે. તે જ દિવસે એક્માત્ર રક્ષક તેવી છત્રી તો ઘરે મારા આવવાની રાહ જોતી હતી. મનોમન તૈયારી તો હતી કે આજે લેપટોપ અને હું બંને વરસાદની સાથે રાસ રમશું.આ વિચાર કરતી હતી ત્યાં જ વરસાદ શરૂ થયો. ધીમે ધીમે ડગ માંડતો વરસાદ થોડી જ વારમાં મન મૂકીને વરસવા લાગ્યો. આવા વિચારોમાં રસ્તો કાપતા હું બસ સ્ટોપ પર પહોંચી.

મુંબઈના બસ સ્ટોપ સરકારે માણસોના દિલ અને ઘરની જેમ નાના કરી નાખ્યા છે.દિશાહીન વરસાદ આ બસ સ્ટોપમાં મને ભીંજાવવાનો મોકો મૂકે તેમ ન હતો. મેં પણ સારી જગ્યા ગોતી તેની સાથે છૂપાછૂપી રમવાનો પ્રયત્ન કર્યો. પણ આ રમત તો હું હારી.પોતાને બચાવવા કરતા લેપટોપ ને મોબાઈલ ભીંજાતા બચાવવા એ આપણો એક્માત્ર મંત્ર હોય છે. માણસ કરતા મશીનની કિંમત વધી ગઈ છે તે આનું નામ.મારી અને વરસાદની રમત ચાલતી જ હતી ત્યાં મારું ધ્યાન બાજુમાં બેઠેલા બહેન પર ગયું.સામન્ય સાડી, વ્યવસ્થિત ઓળેલો અંબોડો અને સરસ બાંધો એવી ઓળખાણ મને પહેલી નજરમાં મળી.
મધ્યમવર્ગના લાગતા આ બહેન ગુજરાતી હશે તેવી ધારણા મેં ગુજરાની પાલવ જોઈને બાંધી લીધી. મારા બસ સ્ટોપ પર આવ્યા પહેલા જ તેઓ બસની રાહ જોઈ રહ્યા હતા.મારી અને વરસાદની રમત તેમણે જોઈ હશે. તરત જ તેઓ પોતાની જગ્યાએથી ઊભા થઈ મારી બાજુની જગ્યાએ આવી  બેસ્યા. પોતાની થેલીમાંથી છત્રી કાઢી. મને વિચાર આવ્યો કે કદાચ તેઓ પોતાને વરસાદથી બચાવવા છત્રી ખોલતા હશે.મારા આશ્ચ્રર્ય વચ્ચે તેમણે છત્રી ખોલી મારી તરફ આડી રાખી દીધી.હું તો બસ નવાઈ જ પામી રહી.મને જોઈ તમણે એક પણ શ્બ્દ બોલ્યા વગર સ્મિત આપ્યું.

આ સ્મિતની મેં અપેક્ષા રાખી ન હતી.અજાણ્યા શહેરમાં જ્યાં અક્સ્માતમાં મરતા માણસોનો હાથ પકડવા કોઈ તૈયાર નથી થતા ત્યારે આ બહેને મારા માટે છત્રીની વ્યવસ્થા કરી.તેમનું સ્મિત માર માટે રહસ્ય બની ગયું.મુંબઈની ભાગતી જીંદગીમાં આવી ઘટનાની અપેક્ષા કદાચ આપણે કોઇએ ના રાખી હોય. બે-પાંચ મિનિટ થઈ હશેને બસ આવી. મારી મુર્ખાઈ એવી કે હું તેમને સભ્ય ગણાતા ’Thank You’ કહેવા જેટલી હિંમત પણ દાખવી શકી નહી .મરી પરવારતી માનવતાને આવા ’મધ્યમ વર્ગીય’ માણસો જીવતદાન આપી જાય છે.કોઈ જાતના સંબંધ વગર અજાણ્યાની દરકાર કરનાર ભાગ્યે જ મળે છે.હું તેમનો આભાર તો વ્યકત ના કરી શકી પરંતુ આ ઘટના મને અજાણ્યા મુસાફરો માટે છત્રી ખોલવાની પ્રેરણા આપી ગઈ. હવે હું તે દિવસની રાહ જોઉં છું જ્યારે મારી છત્રી કોઈ માટે સ્મિત સાથે ખુલી જાય.

1 ટિપ્પણી(ઓ):

વલીભાઈ મુસા કહ્યું...

વેબગુર્જરી દ્વારા પ્રકાશિત ઈ-બુક 'વર્ષાવૈભવ' માંના મારા લેખ 'ભાવવૈવિધ્યે વર્ષાવૈભવ'માંનો 'અજાણ્યું સ્મિત' વાર્તાને આનુષંગિક એક અંશ : -

આવા પ્રયોગો સાવ એળે તો નહિ જ જાય.

મને પ્રાપ્ત થએલા કોઈક અજાણ્યા સ્રોતમાંના કોઈકના જાતઅનુભવને અહીં ટાંકીશ, જેના શબ્દો આ પ્રમાણે છે : “જ્યારે વરસતા વરસાદમાં હું આકર્ષક સુટ પહેરીને છત્રી વગર એક મિટીંગમાં હાજરી આપવા મારા માર્ગે હતો, ત્યારે એક ભલી અને અજાણી સ્ત્રીએ મને તેનું સરનામું આપતાં પોતાની છત્રી આપી અને મારા ઉપર વિશ્વાસ મૂકી બતાવ્યો કે હું વરસાદ રહી જતાં એ છત્રી તેને પરત કરીશ જ.” આ એક સાવ ઓછા મહત્વની વાત હોવા છતાં તેમાં ખૂબ જ ગંભીર અને છૂપો ભેદ છુપાએલો છે. અહીં પરસ્પરના વિશ્વાસનું મહત્વ છે, નહિ કે છત્રીના મૂલ્યનું ! દરેક જણે સહન કરી શકાય તેવાં આવાં જોખમો ઊઠાવીને પણ અન્યને મદદરૂપ થવાનો પ્રયોગ કરવો જોઈએ. આનાથી માનવીના માનવી સાથેના ભરોંસાનો પાયો મજબૂત બનશે અને મને ખાત્રી છે કે આવા પ્રયોગો સાવ એળે તો નહિ જ જાય.

તેજલબહેન, અભિનંદન. ટચુકડા પ્રસંગ ઉપરની માનવ્યને ઉજાગર કરતી હૃદયસ્પર્શી વાર્તા

ટિપ્પણી પોસ્ટ કરો