રવિવાર, 20 ફેબ્રુઆરી, 2011

શું આપણે ખરેખર સુખી છીએ?



ક્ષણ , દિવસ,મહિના,વર્ષો અને સદીઓ વીતતી જાય છે.પથ્થરયુગ , લોહયુગ , તાંબ્રયુગ અને ઇન્ફોમેશનયુગના કિનારે ઉભેલો માનવી શું સુખી છે ??

સુખની વ્યાખયા જાણે બદલાતી જાય છે.ભૂખ્યાને મન ભોજનએ સુખ છે,મધ્યમ વર્ગના માનવીને મન સામાજીક સંબંધો અને થોડી ઘણી બચતએ સુખ છે.અમીરોને મન બમણી આવક અને મોભોએ સુખ છે. તો નેતાને મન ગામેગામ ભૂખ્યા માણસોને મોબાઇલ પહોંચાડવા તે સુખ છે!!

ખરેખર આ 'સુખ' શું છે ? ચાલો 'સુખને' સામાજીક અને માનવીય રીતે મુલવીએ. વિચારો કે જંગલમા વસતો ,ફળફળદિ ખાનારો આદિવાસી માનવ વધુ સુખી હતો કે નહિ? જવાબ છે હા , કારણ કે તે માનવને મન શાંતિ એ જ સુખ હતું. જ્યારે આજે સુખ એટલે સાધનસંપતિ અને સુખસગવડ. આજે સમાજના એકેય વર્ગનો માણસ સુખી નથી. જેની પાસે ધન નથી તેને ધન મેળવવાના સપનાઓ આવે છે ,તો ધનવીરોને આ ધનની સાચવણી માટે નિંદ્રાદેવી સાથે અબોલા લેવા પડે છે.આ પૈસો તો માણસની ઊંઘ હરામ કરી રહ્યો છે.જરાક વિચારો જે પૈસો આપણને રાતના સુખેથી ઊંઘવા દેતો નથી, તેને માટે આપણે આકાશ પાતાળ એક કરી રહ્યા છીએ!!

પૈસા વગરનો માનવી પણ લાચાર છે. ઉત્તરપ્રદેશની કડકડતી થંડીમાં પોલિસોએ અનેકના ઝૂંપડા તોડયા છે.ત્યારે લાચાર બાળકીના આંસુ કહી રહ્યા હશે , 'જમીનનો ટૂકડો હતો તે પોલિસે છીનવી લીધો છે અને શાંતિની નિંદર હતી તે ભગવાને છીનવી લીધી છે.' બાળકીને ખબર નથી કે ઘર અને ધાબળા વગર રાત ક્યાં
જશે ??, જ્યારે મહેલ જેવા ઘરમાં રહેતા અને મખમલી પથારીમાં પોઢતા અમીરો નિંદર માટે તરસે , આ જગતની વાસ્તવિકતા છે!!

સુખને સામાજીક રીતે વર્ણવીએ તો પૈસાની રખડપાટે આપણા સામાજીક સંબંધો છિન્ન ભિન્ન કરી નાખ્યા છે.શું માતાપિતા પાસે બાળકોને વ્હાલ કરવાનો સમય છે ? શું બાળકને માતાપિતાના સ્નેહમાં ભીંજાવવાની તક મળે છે? શું સંબંધો ઉષ્મારહિત નથી બની રહ્યા?
સંબંધો, પ્રેમભાવ અને 'સ્વ'ની લાગણી 'સ્વાર્થ'ની ખીણમાં ધકેલાઈ રહ્યા છે.આ છે પૈસાની દોડનો પ્રતાપ. આ પૈસાએ માણસના માનવીય ગુણોને જડમૂળમાંથી ઉખાડી દીધા છે .

અકસ્માતના કે આત્મહત્યાના ભોગીને કોઈ ડોકટર સારવાર આપવા તૈયાર નથી કારણ કે આ પોલિસ કેસ છે!! જુઓ તો ખરા માણસને પોલિસનો ડર છે , ભગવાનનો ડર નથી !! વાહ પ્રભુ ખરી છે તારી કરુણતા !! સમાજના માનવ માનવને મદદ કરવાથી મળતું સુખ જગતમા ક્યાંય મળતું નથી. ગરીબના અંતરના આશિષ ખરા સુખની લાગણી કરાવે.

આમ ખોટા સુખની લાલચ શું આપણને પ્રગતિ કરવા દેશે? મોબાઈલ ,મોટર અને લેપટોપ વાપર્યા પછી પણ આપણે સામાજીક દ્રષ્ટિએ પછાત જ રહેશું કારણ કે ત્યારે પૈસો હશે પણ વાપરનારા વ્હાલા સ્વજનો નહિ હોય.
તો આવા ભયંકર યુગમા પગલા માંડતા પહેલા જ સુખની વ્યાખ્યાને બદલીએ.સુખને શાંતિ ગણી, માનવ માનવને મદદરુપ થઈ ,જીવનના નાટકનું ખરું પાત્ર ભજવીએ કારણ કે ,

"હે માનવી માટીમાંથી સર્જાયો છે,
તું માટીમાં ભળી જવાનો છે.
સુખ , દુઃખ તો ક્ષણિક છે,
પૈસો અહી છોડી જવાનો છે.
તારા સદ્કર્મની પોટલી સાથે લઈ જવાનો છે,
સુખ ,શાંતિ તારા અંતરમાં છે,
એને શોધવી એ તારી કસોટી છે,
પાર થયો તો ભવસાગર તરી જવાનો છે,
હે માનવી માટીમાંથી સર્જાયો છે,
તું માટીમાં ભળી જવાનો છે."

2 ટિપ્પણી(ઓ):

Rishabh Purohit કહ્યું...

સુખ અને સંતોષ તે એક બીજા નાં પર્યાય જેવાં ગણી શકાય.. તમે કેટલાં સુખી છો, એ તમે કેટલાં સંતોષી છો તે પરથી નક્કી કરી શકાય..

અજ્ઞાત કહ્યું...

Rushabh is right Santoshmaj Sukh Che

ટિપ્પણી પોસ્ટ કરો