શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2015

કુંવારી અનઘા અને સમાજ





 રમાબહેન અને મુકેશભાઈના આંગણે આજે દીકરીના કન્યાદાન અને વિદાયનો પ્રસંગ હતો.વર્ષોથી જોયેલા સપનાઓ આજે હકીકત બની રહ્યા હતા.અનઘા , આનંદ અને અનુજા આ ત્રણ તેમના સંતાનો. ખૂબ  મહેનત કરી ત્રણેને ભણાવ્યા હતા. બધા સંતાનો એન્જિનિયર બની મુંબઈમાં સારી નોકરીએ હતા.બાળકોની ખૂશીમાં જ તો મા-બાપની દુનિયા સમાયેલી હોય છે. આજે તો સૌથી નાની દીકરી અનુજાના લગ્નનો રુડો અવસર હતો.અનઘા ત્રણેય ભાઈ બહેનોમાં સૌથી મોટી પરંતુ તેના હાથ હજી પીળા કરવાન બાકી હતા.તેનાથી બે વર્ષ નાનો આનંદ અને ચાર વર્ષ નાની અનુજા.

   લગ્ન હોય઼ એટલે ઘર તો મહેમાનોથી અને મોજમજાથી ભર્યું હોય પરંતુ આ બધા વચ્ચે અનઘા કયાંક ખોવાઈ ગઈ હતી. તેની બહેન કાયમ માટે અમેરિકા વિદાય થઈ રહી હતી.રંગે-રુપે દેખાવડી અનુજાને સરસ મજાનો વર અને પ્રેમાળ સાસુ- સસરા મળ્યા હતા. ફ઼કત આટલું જ નહિ પરંતુ તમે જેની કલ્પના કરો તે બધું જ મળ્યું હતું. અનઘા આ બધું જોઈ અનુજા માટે ખૂબ જ ખૂશ હતી. તેની એકલતાનું કારણ કાંઈક બીજું હતું.ઘરમાં સૌથી મોટી હોવાને નાતે તેણે આજ સુધી બધા ભાઈ બહેનોને અને ઘરના કામોને સાચવ્યા હતા.શ્યામવર્ણી,ઓછાબોલી પણ દિલથી બધા માટે ભોગ આપનાર અનઘા ભૂતકાળમાં સરી પડી.કોલેજના દિવસોમાં પ્રેમની માયાજાળમાં તે ફ઼સાઈ ગઈ હતી.આ પ્રેમ કોલેજ સુધી સિમિત ન રહેતા લગ્ન સુધી પહોંચે એવા સપનાઓ તેણે જોયા હતા.આ વાત જ્યારે ઘર સુધી પહોંચી ત્યારે તો ઘરમાં તૂફ઼ાન આવી ગયું હતું. રમાબહેન પ્રેમ લગ્નની વિરુધ્ધમાં હતા.મુકેશભાઈ દુનિયાદારી સમજતા. ’અનઘાનો પ્રેમી આપણાથી ઉતરથી જાતનો છે એટલે બસ ના અને ના જ.’ આ રટ લઈ રમાબહેન બેસી રહ્યા.અનઘાનો પ્રેમી ભણેલ -ગણેલ અને એક વ્યકતિ તરીકે પણ વ્યવસ્થિત હતો. રમાબહેનની જીદ આગળ કોઈનું કંઈ ન ચાલ્યું.મુકેશભાઈએ પત્નીને સમજાવવની ઘણી કોશિશ કરી અને છેવટે ના ની હા થઈ જ નહિ.માબાપને દુ:ખી કરી પ્રેમને કાયમી કરવામાં અનઘા માનતી ન હતી.તેણે મા આગળ નમતું જોખ્યું. તેનો પ્રેમ કાચ્ચો હતો એવું ન હતું. તેનો કુટુંબપ્રેમ તેના ભાવિ પતિપ્રેમ આગળ જીતી ગયો.

   અનઘા આ આઘાતમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતી. લવ મેરેજ ના થયા એટલે તે અરેંજ મેરેજના ચક્કરોમાં  ફસાઈ ગઈ.રમાબહેને તેના માટે યોગ્ય મુરતિયો ગોતવાની શરુઆત કરી દીધી.ક્યાંક  કુંડલી ન મળતી તો કયાંક તેનો રંગ તેને ભળવા ન દેતો. નકારથી તે થાકી ગઈ હતી. એકલતાએ  તેનો ભરડો લઈ લીધો હતો.માની જીદ આગળ તેણે કરેલો સમજોતે તેને ભારી પડવા લાગ્યો.મૂંઝાતી, દુ:ખી થતી,નિરાશ થતી અનઘા બસ જીવવા ખાતર જીવતી હતી.એવામાં અનુજા માટે સગામાંથી અમેરિકાથી માગું આવ્યું અને અનઘાની પહેલા અનુજાના લગ્ન લેવાનું નક્કી થયું.

     હવે અનુજાનો ફોન રોજ વ્યસ્ત આવતો.અમેરીકાથી ગિફ઼્ટોના પાર્સલો આવવા માંડ્યા. અનઘા આ બધું જોતી અને પોતાને માટે બસ એક નિસાસો નાખતી.તેને લાગવા માંડ્યું હતું કે ઘરમાં મારું કોઈ છે જ નહિ.બધા નવા જમાઈ અને અનુજામાં ખોવઈ ગયા છે.તેને એકલતા કોરી ખાવા લાગી હતી. અનુજા માટે તે ખૂશ ન હતી એવું ન હતું પરંતુ અજાણતા મનમાં સરખામણી થઈ જતી. તેને લાગતું કે મારા ભાગ્યમમાં કદાચ જીવનસાથી લખવાનું ભગવાન ભૂલી ગયો છે. આમા કાંઈ અનઘાનો વાંક ન હતો આ તો ઉંમરનો ટંકાર હતો.લગ્નની એ ઉંમરમાં સહપાઠીઓ ,ઓફ઼િસમાં સાથે કામ કરતા બધાના લગ્નના કાર્ડ છપાતા. ફ઼કત  એક અનઘા સિવાય જાણે કે બધાના લગ્ન લેવાઈ રહ્યા હતા.સગાસંબંધીઓએ પૂછી પૂછીને તેના મગજમાં લગ્નનું ભૂત ચડાવી દીધું હતું. તે જ્યાં જતી ત્યાં એક જ સવાલ ’ અનઘા લગ્ન કયારે કરે છે ?’  તે શું જવાબ આપે ? મનામાં કહેતી , ’ મારું ચાલે તો કાલે જ કરી લઉં પણ મુરતિયો તો ગોતી લાવો.’  આ બધું પહેલા ઓફ઼િસ , કોલેજ અને ફ઼ેસબુક સુધી સિમિત હતું જ્યારે હવે અનુજાના લગ્ન નક્કી થતાં ઘરમાં પ્રવેશી ગયું હતું. અનુજાને જીવનના આ તબક્કે જોઈ પળ પળ તેને યાદ આવતું કે તે હજી કુંવારી જ છે.મન મારવાનું જાણે કે તે જન્મજાત શીખીને આવી હતી.મનને રોજ મનાવતી કે નસીબમાં હશે ત્યારે થાશે.તેવામાં અનુજાના લગ્ન લેવાયા અને સગાસબંધીઓના સવાલ પાછા શરુ થયા. આ બધું તેને અંદરથી હચમચાવી મુકતું. પણ કહે તો કોને કહેબધા જ અનુજાની ખૂશીમાં ખૂશ હતા. અનઘાની વાત સાંભળવાનો સમય કોની પાસે હતો ?

લગ્ન પણ રંગેચંગે ઉકલી ગયા. અનુજા અમેરિકા ચાલી ગઈ.આમને આમ બીજા બે વર્ષ વીતી ગયા.અનઘા માટે ક્યાંય મુરતિયાનો મેળ ખાતો જ ન હતો. તે પણ બાયો ડેટા જોઈને ,છોકરાઓને મળીને, સવાલોના જવાબો આપીને કંટાળી ગઈ હતી.દીકરી બનવાની જાણે કે તેને સજા મળી રહી હતી.રમાબહેને હવે આનંદ માટે વહુ લઈ આવવાની ઉતાવળમાં હતા.નસીબ જોગે મેળ પણ પડી ગયો. આનંદના લગ્ન લેવાયા.અનઘાને લાગ્યું કે રમાબહેન તેને જાણે ભૂલી ગયા છે.ઘરમાં તે જાણે બોજ બની ગઈ હતી.એકલતા અને નિરશાએ તેનું મનોબળ ભાંગી નાખ્યું હતું.આનંદના લગ્નમાં પણ ફ઼રી એજ સવાલો, ’હજી અનઘાના લગ્ન નથી થયા ? ૩૨ વર્ષની તો થઈ ગઈ છે .ક્યારે કરશે તે લગ્ન ? ’ કોઈક તો અનઘાની જગ્યાએ પોતાની જાતને મૂકી જુઓ. તેની વેદના તમારા રુંવાટા ઊભા કરી દેશે.કોઈક તો એવું મળે જે તેને કહે , ’દીકરી અનઘા અમે તારું દુ:ખ જાણીએ છીએ. ભગવાનના ઘરે દેર છે અંધેર નથી. તારો હાથ જલ્દી પીળો થઈ જશે.’

આપણો સમાજ જે મરેલાને મારવામાં માને છે , જે અનઘા જેવી કેટલીય દીકરીઓના મનોબળને તોડવામાં માને છે. અનઘા આજે પણ વિચારે છે તેની ભૂલ શું છે? એજ કે તેણે રમાબહેનની જીદ આગળ પોતાનો પ્રેમ ભૂલાવી દીધો કે તેનું નસીબ? કે તેની કુંડળી? કે પછી ઘરમાં તેની બધાએ કરેલી ઉપેક્ષા કે સમાજ આનંદ અને અનુજા તો પોતપોતાના કુટુંબમાં ભળી ગયા પણ અનઘાને પોતાના જ ઘરમાં પારકી કરવાની આપણા સમાજની રીત કોઈ દીકરીને આત્મહત્યા કરવા ન પ્ર્રેરે તો નવાઈ!! અનઘા ક્યાં સુધી સમાજના આ વલણ સામે ઝઝૂમતી રહેશે ?

આપણા સમાજનો વણલખ્યો નિયમ હતો કે ઉંમરમાં મોટા સંતાનોના લગ્ન પહેલા અને પછી નાના સંતાનોના. આ નિયમ પાછળ કદાચ કોઈ દીકરીએ અનઘા ન બનવું પડે તેવી ભાવના હશે ? કે પછી આજના જમાનામાં જ્યાં અપેક્ષાઓ વધી ગઈ છે , ગુણ કરતાં દેખાવ મહત્વનો બની ગયો છે ત્યાં અનઘા જેવી દીકરીઓએ આ ભોગ આપવો જ રહ્યો.આ સવાલોના જવાબ અટપટા છે પરંતુ ક્યાંક તમારા કુટુંબમાં અનઘા મળી જાય તો,’ લગ્ન ક્યારે કરે છે?’ એ સવાલ ન પૂછતા. એ જ એના માટે આશીર્વાદ હશે.


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો